Friday, 20 June 2014

સંક્ષિપ્ત જીવનકથા

ॐકાર સંપ્રદાયના આર્ષદ્રષ્ટા અને સ્થાપક
પ.પૂ. સંતશ્રી ॐઋષિ પ્રિતેશભાઇનો આત્મીય પરિચય
ત્રેતાયુગમાં એક મહાન ઋષિ થઇ ગયાં – શ્રી અષ્ટાવક્રમુનિ – તેમના આઠ અંગો વાંકા હતા પરંતુ તેમનું મન અને આત્મા અત્યંત સાત્વિક અને પવિત્ર હતા. વિદેહ કહેવાતા રાજા જનકને પણ જેમણે ‘અષ્ટાવક્રગીતા’ નાં માધ્યમથી બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો એવા પરમજ્ઞાની-મહર્ષિ અષ્ટાવક્રમુનિએ જાણે કળીયુગમાં ફરી અવતાર ધારણ કર્યો છે – પ.પૂ. સંતશ્રી ॐઋષિ પ્રિતેશભાઇનાં રૂપમાં. પોતાની તમામ શારીરિક મર્યાદાઓને ઓળંગીને મન અને આત્માની દિવ્ય ચેતનાને જાગ્રત કરી લૌકિક અને અલૌકિક સિધ્ધિઓઓનાં શિખરને સ્પર્શી જનારાં ॐઋષિ ધર્મ અને આધ્યાત્મનો આધારસ્તંભ બની લાખો ધર્મપિપાસુ અને મુમુક્ષુઓની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂક્યાં છે તેમજ બની રહ્યાં છે.
પારસમાં એક દૈવી ગુણ છે કે, એનાં સ્પર્શથી લોખંડ સુવર્ણમાં ફેરવાઇ જાય છે. ભગવાન શ્રી મહાવીર અને પૂર્ણબ્રહ્મ પરમાત્માની અસીમ કૃપા પ્રાપ્ત એવા ॐઋષિનાં દર્શનમાત્રથી, તેમણે પ્રદાન કરેલ મંત્ર તથા આશીર્વાદની અમોઘ શક્તિથી જે વ્યક્તિનાં ચહેરા પર દુઃખની કાલિમા છવાયેલી હોય છે તેનાં જીવનમાં સુખની, આનંદની લાલીમા ફેલાઇ જાય છે. ॐકાર સંપ્રદાયનાં આર્ષદ્રષ્ટા અને સ્થાપક તેમજ ચમત્કારિક પરિણામો આપી રહેલ ॐકાર ચાલીસાનું સર્જન કરનાર પ.પૂ. સંતશ્રી ॐઋષિ પ્રિતેશભાઇની જીવનયાત્રા અત્યંત વિસ્મયકારી અને આશ્ચર્યની સાથે આનંદ ઉપજાવે એવી છે.
खुद ही को कर बुलंद इतना कि
हर तकदीर से पहेले, खुदा बंदे से खुद पूछे,
बता तेरी रजा क्या है ?
આ મશહુર શેરને તમે ઘણીવાર સાંભળ્યો, વાંચ્યો અને કહ્યો પણ હશે, પરંતુ ક્યારેય તમે એને વાસ્તવિક જીંદગીમાં હકીકત બનતો, તમારી આંખો સમક્ષ નિહાળ્યો છે ખરો ?
વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન ત્રણ વર્ષની ઉંમર સુધી બોલતા નહોતા શીખ્યાં. પ્રસિધ્ધ લેખિકા અને વક્તા હેલન કેલર ના તો જોઇ શકતી હતી, ના તો સાંભળી શકતી હતી. પોલિયોની બિમારીથી ગ્રસ્ત ફ્રેન્કલિન રૂઝવેલ્ટ પહેલાં ન્યુયોર્કનાં ગવર્નર અને ત્યારબાદ અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ પણ બન્યાં અને આ યુગનાં મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સ, જે શારીરિક રીતે સંપૂર્ણપણે અક્ષમ છે, હંમેશા પોતાની વ્હીલચેરમાં બેસી રહેનારા હોકિંગ્સ આખું અંતરિક્ષ ખુંદી વળ્યા છે. અનેક ભૌતિકશાસ્ત્રનાં સિદ્ધાંતોની અણમોલ ભેટ તેમણે જગતને આપી છે. અધ્યાત્મ જગતની વાત કરીએ તો આપણાં ભારતમાં એક મહાન અધ્યાત્મવિભૂતિ શ્રીરામભદ્રાચાર્યજી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં ચાર વેદથી લઇ હનુમાન ચાલીસા સુધી તમામ સનાતન ધર્મનાં ગ્રંથો તેમને કંઠસ્થ અને હ્રદયસ્થ છે.
શારીરિક મર્યાદાઓ જેમને રોકી નથી શકતી, એવી મહાનતમ વ્યક્તિત્વોમાં એક એવા વ્યક્તિએ પોતાનું નામ અને સ્થાન સુનિશ્ચિત કર્યુ છે જેમણે સફળતાનાં અનન્ય શિખરોને સર કર્યા છે. અગણિત લોકોનાં સ્નેહ અને સન્માન પ્રાપ્ત કર્યા છે અને સ્વયં પરમાત્માનાં સ્પર્શથી જેમનો આત્માનિજાનંદમાં સદૈવ નિમગ્ન રહે છે, એ છે- પ.પૂ. સંતશ્રી ॐઋષિ પ્રિતેશભાઇ ! ...
ગુજરાતનાં મહેસાણા જિલ્લાનાં બોકરવાડા ગામનાં વતની અને કાપડનાં બહુ મોટા – સક્ષમ કારોબારી શ્રી અશોકકુમાર હિંમતલાલ શાહ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી પ્રતિમાબેનનાં ઘરે તા. 8 ફ્રેબુઆરી – 1977 નાં અતિ શુભ દિને ॐઋષિ પ્રિતેશભાઇનો જન્મ થયો. સિલ્વર નહીં પણ ગોલ્ડન સ્પૂન સાથે જન્મેલા ॐઋષિનાં જીવનમાં અગિયાર વર્ષની ઉમરે એક અણધાર્યો વળાંક આવ્યો. લાખો વ્યક્તિઓમાં કોઇ એકને થનારી એક અત્યંત ગંભીર બિમારી- રુમોટોઇડ આર્થરાઇટિસ નામની બિમારીએ તેમને જકડી લીધાં. તમામ પ્રકારની દવાઓ, દુનિયાભરનાં ડોકટરોનાં ઉપચારો અને અન્ય તમામ પ્રકારની સારવાર બાદ પણ ॐઋષિ આ અસહનીય બિમારીનાં પંજામાંથી મુક્ત ના થઇ શક્યાં. આ ભયાનક બિમારીએ તેમને શારીરિક રીતે અસહાય બનાવી દીધાં. ના તો તેઓ ચાલી શકતા અને ના તો પોતાના હાથે કંઇ ગ્રહણ કરી શક્તા. આ કારમી શારીરિક પીડા જાણે એમનાં જીવનનો અભિન્ન હિસ્સો બની ગઇ. ત્રણ-ચાર વર્ષોની નિરાશા, હતાશા અને આંસુઓની કાળી રાતમાં ભટક્યા બાદ તેમનાં જીવનમાં સદ્દગુરૂરૂપી સૂર્ય ઉદિત થયો, જેણે તેમને પીડાની છાતી પર પગ મૂકી ખુશીઓને હાંસિલ કરવાનો માર્ગ દેખાડ્યો. એ હતાં પ.પૂ. સંતશ્રી ॐઋષિ પ્રિતેશભાઇનાં સદ્દગુરૂ પ્રસિધ્ધ જૈન આચાર્ય શ્રી મિત્રાનંદ સુરીશ્વરજી મહારાજશ્રી.
ગુરૂદેવે ॐઋષિને આત્મજ્ઞાન આપતાં કહ્યું કે, દુનિયામાં કોઇપણ વ્યક્તિ પરિપૂર્ણ નથી હોઇ શકતી. પૂર્ણ તો એકમાત્ર પૂર્ણબ્રહ્મ પરમાત્મા જ છે. કોઇનામાં શારીરિક તો કોઇનામાં બૌદ્ધિક અપૂર્ણતા હોય છે, પરંતુ મનુષ્યે એ દ્રઢપણે નિશ્ચિત કરવું જોઇએ કે ઇશ્વરે તેને જે પણ કંઇ અલ્પ અથવા અધિક આપ્યું છે, તેને તે ‘પરિપૂર્ણ’ બનાવે. જે કંઇ પરમાત્માએ આપ્યું છે તેને ‘કૃપા’ માને અને જે નથી મળ્યું તેમાં ઇશ્વરની ‘ઇચ્છા’ સમજી તેનો શોક મનાવવાનું છોડી દે. પ્રારબ્ધમાં લખેલા કર્મોને જે હસતાં મુખે સહી લે અને પરમાત્માએ બક્ષેલી આવડતને વધુને વધુ અસરકારક બનાવી આત્મકલ્યાણ તેમજ જગતકલ્યાણ માટે કંઇક કરી છૂટે એ જ સાચા અર્થમાં મહાપુરૂષ છે.
ગુરૂદેવનાં વચનામૃતથી મૃતઃપાય થયેલી ॐઋષિની જીંદગીમાં ફરી એકવાર પ્રાણસંચાર થયો. ગુરૂદેવે પ્રદાન કરેલ મંત્રની અવિરત સાધના અને ઉપાસનાથી ॐઋષિએ પોતાના ભીતર છુપાયેલી આત્મશક્તિને ઢંઢોળીને જાગ્રત કરી દીધી! અમદાવાદમાં તેમણે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ, એટલું જ નહીં ॐઋષિએ અનન્ય મનોબળ અને વિલક્ષણ બુદ્ધિપ્રતિભાનાં જોરે આઇ.એ.એસ.ની પ્રિલિમિનરી એક્ઝામ પણ પાસ કરી. જો ॐઋષિ ઇચ્છત તો આઇ.એ.એસ. બનીને ઊંચી પોસ્ટ અને દબદબો મેળવી શકત પરંતુ ગુરૂદેવનાં સાંનિધ્યમાં રહીને નિરંતર સત્સંગ-જ્ઞાનોપદેશ ગ્રહણ કરતાં કરતાં ॐઋષિ આત્મમંથન દ્ધારા એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે, પરમાત્માએ તેમને કંઇક અલગ જ જીવનકાર્ય કરવા માટે આ પૃથ્વી પર મોકલ્યાં છે. વ્યક્તિગત સ્વાર્થને વિસારી દઇ તેઓ વિસ્તૃત રૂપે સામાન્યજનોની, સમાજની, દુઃખીજનોની સેવા અને મદદ કરવામાં પોતાનું જીવન ન્યૌછાવર કરે એવી જગતનિયંતાની ઇચ્છા છે, ને એમના આ નિષ્કર્ષને માં પદ્માવતી દેવીએ ‘જનસેવા માટે જીવન સમર્પી દે’ એવી આજ્ઞા સાથે દ્રઢીભૂત કર્યો.
ॐઋષિએ એક અતિમહત્વનો નિર્ણય લીધો. તમામ જ્યોતિષશાસ્ત્રોમાં અતિ સૂક્ષ્મ અને પ્રમાણભૂત મનાતા જૈન જ્યોતિષશાસ્ત્ર, જૈન વાસ્તુશાસ્ત્ર, જૈન મંત્રશાસ્ત્ર અને જૈન ઓરાશાસ્ત્રનો તેમણે ગહન અભ્યાસ કર્યો. ગુરૂદેવનાં પ્રત્યક્ષ માર્ગદર્શનમાં રહી તેમણે તમામ ધર્મશાસ્ત્રો ઉપરાંત મુહુર્તશાસ્ત્રનો પણ બારીકાઇથી અભ્યાસ કર્યો. લોકોકિત છે કે, પરમાત્મા એક હાથે લઇ લે છે તો સો હાથોથી આપે છે, આ કથન ॐઋષિનાં જીવનમાં યથાર્થ પુરવાર થયું. પ્રારબ્ધ કર્મોનુસાર ॐઋષિને ઇશ્વર તરફથી શારીરિક અક્ષમતા તો મળી પણ સામે પરમાત્માએ તેમને જૈન જ્યોતિષશાસ્ત્રમાં એવી અદ્ધિતીય નિપુણતા પ્રદાન કરી જે આજે સમસ્ત જ્યોતિષજગતમાં એક મિસાલ બનીને રહી ગઇ છે. જાણે કે, પરમાત્માએ ॐઋષિની છઠ્ઠી ઇન્દ્રિયનાં દ્ધાર ઉઘાડી નાખ્યાં, જ્ઞાનરૂપી ત્રીજું નેત્ર ખોલી નાખ્યું! ગુરૂદેવનાં આશિષ, ભગવાન મહાવીરની કૃપા અને સ્વયંની આત્મિકશક્તિનાં ત્રિવેણી સંગમ સમા દિવ્યબળથી પ.પૂ. સંતશ્રી ॐઋષિ પ્રિતેશભાઇ આજે લૌકિક અને અલૌકિક બન્ને જગતની મહાન ઊંચાઇઓને સ્પર્શી રહ્યાં છે.
પચાર હજારથી પણ વધુ ભક્ત સમુદાયને ગુરૂદેવનાં રૂપમાં, બાપજીનાં રૂપમાં કે મુનિબાપુ સ્વરૂપે ॐઋષિ સાચા સંત અને સદગુરુ બની સૌને આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક – ત્રિવિધ તાપોની પીડામાંથી મુક્તિ અપાવી રહ્યાં છે. ‘સેવા સમર્પણ ફાઉન્ડેશન’ નાં મેનેજીંગ ટ્રસ્ટી તરીકે, ॐકાર સેવાદળનાં પ્રેરણાસ્ત્રોત તરીકે તથા અન્ય ઘણીબધી સામાજીક સેવા સંસ્થાઓનાં વિવિધ પદો પર બિરાજમાન ॐઋષિ જીવદયા ઉપરાંત વિવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓમાં સક્રિય છે. ‘कार्य से क्रांति’ એ એમનું મુખ્ય સૂત્ર છે. શ્રી પદ્માવતી નવગ્રહ પ્રત્યક્ષ પંચાંગનાં સંપાદક અને પંચાંગકર્તા તરીકે પણ ॐઋષિ જ્યોતિષવિશ્વમાં મહત્વનું કાર્ય કરી રહ્યા છે.
ॐઋષિનાં પરિવારમાં માતાપિતા સહિત બે નાનાં ભાઇઓ કિંજલ અને મિહિર છે પણ આજે ॐઋષિનો પરિવાર ખૂબ જ વિશાળ થઇ રહ્યો છે. દિન-પ્રતિદિન શ્રદ્ધાળુઓની સંખ્યામાં અનેકગણો વધારો થઇ રહ્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું કથન છે, ‘મારું જીવન એ જ મારો સંદેશ!’ પ.પૂ. સંતશ્રી ॐઋષિ પ્રિતેશભાઇ પણ પોતાનાં જીવનનાં માધ્યમથી અગણિત લોકોને પ્રેરણા અને ઉત્સાહ પુરો પાડી રહ્યાં છે. હતાશા અને નિરાશાનાં વમળમાંથી બહાર નીકળી કઇ રીતે સિદ્ધિઓની ટોચે બિરાજી દુનિયાભરમાં ડંકો વગાડી શકાય એનું જ્વલંત ઉદાહરણ બની ચૂકેલાં ॐઋષિ પાસે લૌકિક સુખોને ભોગવતાં ભોગવતાં કઇ રીતે અલૌકિક- આધ્યાત્મિક પથ પર અગ્રેસર થઇ પરમાનંદ પ્રાપ્ત કરી શકાય તેની ગુરૂચાવી મૌજુદ છે.
પરમાત્માતત્વરૂપી એ પરમઆનંદ-સચ્ચિદાનંદનું બીજ, મૂળ સ્ત્રોત છે- ॐકાર. સમગ્ર સૃષ્ટિનો પ્રારંભ જે નાદબ્રહ્મ દ્ધારા થયો છે એ છે પ્રણવબ્રહ્મ ॐકાર. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે “गिरामस्म्येकमक्षरम” અર્થાત શબ્દોમાં એક અક્ષર- ॐકાર હું છું. જો મનુષ્ય યથાર્થરૂપે પ્રણવબ્રહ્મ ॐકારની સાધના–ઉપાસના કરે તો તે અલૌકિક, અનંત અને અવિનાશી એવા પરમાનંદને પ્રાપ્ત કરવા માટે અધિકારી બની શકે છે.
અદ્ધિતીય એવી કુંડલિની જાગરણ, જગતજનની આદ્યશક્તિનો સાક્ષાત્કાર જેવી અનેકાનેક દિવ્ય અનુભૂતિઓની શ્રૃંખલાઓ અંતર્ગત પ.પૂ. સંતશ્રી ॐઋષિ પ્રિતેશભાઇને એક ઐતિહાસિક અને અવિસ્મરણીય અનુભૂતિ દ્ધારા સ્વયં પૂર્ણબ્રહ્મ પરમાત્માએ પ્રેરણા, માર્ગદર્શન અને આજ્ઞા આપી કે, તેઓ ત્રિવિધ તાપોથી પીડાતા વિશ્વનાં લાખો – કરોડો મનુષ્યોનાં દુઃખદર્દને સમજે અને પ્રણવબ્રહ્મ ॐકારનાં માધ્યમથી તેને દુર કરવા સંન્નિષ્ઠપણે પ્રયાસ કરે. પરમાત્માનો આદેશ મેળવ્યા બાદ ॐઋષિ ગહન ચિંતન દ્ધારા એક મહત્વનાં નિર્ણય પર પહોંચ્યા અને તેમણે 1996માં અષાઢ સુદ બીજનાં પવિત્ર દિવસે “ॐકાર સંપ્રદાય”ની સ્થાપના કરી. વિશ્વનાં તમામ ધર્મોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રણવબ્રહ્મ ॐકારની મહત્તાનો સ્વીકાર કર્યો જ છે. ॐકાર સંપ્રદાયનાં આર્ષદ્રષ્ટા અને સ્થાપક ॐઋષિ પૂજ્ય ગુરૂદેવ શ્રી પ્રિતેશભાઇનું એકમેવ આધ્યાત્મિક લક્ષ્ય છે- કોઇપણ પ્રકારનાં ધર્મ, જ્ઞાતિ કે વર્ણના ભેદભાવ વિનાવિશ્વનાં તમામ માનવીઓ સાર્વત્રિકપણે સ્વીકૃત પામેલા પ્રણવબ્રહ્મ ॐકારની એક છત્રછાયા હેઠળ એકત્રિત થઇ, તમામ રાગદ્ધેષ- મતભેદ- મનભેદ વિસારી દઇ, ॐકારની સાધના- ઉપાસનાનાં માધ્યમથી આત્મોપલબ્ધિ મેળવે- પરમાનંદ પ્રાપ્ત કરે.
પ્રણવબ્રહ્મ ॐકારની સચોટતમ સાધના માટે સ્વયં પરમાત્માએ ॐઋષિને એક સબળ માધ્યમ ઉપલબ્ધ કરાવ્યું છે અને તે છે “ॐકારચાલીસા”. ॐઋષિ દ્ધારા વિરચિત ॐકાર ચાલીસા ના નિત્ય પાઠ દ્ધારા આજે લાખો લોકો ભૌતિક અને આધ્યાત્મિક ચમત્કારો પ્રતિદિન અનુભવી રહ્યાં છે. ॐઋષિ દ્ધારા પ્રગટ કરવામાં આવેલ ॐકાર સંપ્રદાયની મુખ્ય સાધના પ્રણાલિ છે- “ॐકાર ત્રિત્રાંશ ક્રિયાયોગ”. આ અદભૂત ક્રિયાયોગનાં પ્રયોગ અને સાધના દ્ધારા સાધક તન,મન,ધન અને આત્માનાં પૂર્ણ વૈભવને પ્રાપ્ત કરી શકે છે તેમજ મનુષ્યજન્મનાં ચારેય પુરુષાર્થો- ધર્મ, અર્થ, કામ અને મોક્ષને અત્યંત સહજ રીતે ઉપલબ્ધ કરી શકે છે.
અસીમિત જિજ્ઞાસુઓ – મુમુક્ષુઓ અને ભૌતિક સુખવાંચ્છુઓ માટે રાતદિવસ, અવિરતપણે ક્રિયાન્વિત રહેવા છતાંયે નિજાનંદમાં-પરમાનંદમાં અહર્નિશપણે આકંઠ ડુબેલા રહેતા પ.પૂ. સંતશ્રી ॐઋષિ પ્રિતેશભાઇનાં ચરણકમળમાં કોટિ કોટિ વંદન.....
|| ॐ નમઃ ||